રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત સ્ટેટ ઈન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક (જીએસઆઈઆરએફ)ની 2023-24ની જાહેરાત કરી છે, જેમાં કુલ 40 યુનિવર્સિટીમાંથી 16 યુનિવર્સિટીઓને ફાઇવ સ્ટાર રેન્ક આપ્યો છે, જે પૈકી ગુજરાત યુનિ, પીડીઈયુ, નિરમા, સેપ્ટ યુનિ.ને ફાઇવ પ્લસ રેન્ક અપાયો છે. જોકે આ 16માંથી માત્ર ગુજરાત યુનિવર્સિટી જ નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં 76મા ક્રમે આવી હતી.
રાજ્ય સરકારે વિવિધ નવ કેટેગરીના રેટિંગમાં ગુજરાતની 524માંથી 34 કોલેજને ફાઇવ સ્ટાર રેન્ક આપ્યો છે. જીએસઆઈઆરએફ 2023-24 હેઠળ ફાઇવ સ્ટાર, ફાઇવ સ્ટાર પ્લસનું રેટિંગ પ્રાપ્ત કરનારી ગુજરાતની ટોચની 16 યુનિવર્સિટીના કુલપતિઓ- તેમના પ્રતિનિધિઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા છે. નેશનલ લેવલની સંસ્થાઓને અપાતા નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ (એનઆઈઆરએફ) રેન્કિંગ ફ્રેમવર્કને સમકક્ષ રેન્ક આપવાના હેતુસર 2018-19માં જીએસઆઈઆરએફની શરૂઆત કરવામાં આવી હતી.
જીએસઆઈઆરએફમાં રાજ્યની 40 યુનિવર્સિટી અને 524 કોલેજે ભાગ લીધો છે. આ યુનિવર્સિટીઓ અને કોલેજોની શૈક્ષણિક-માળખાકીય સવલતો સહિતની બાબતોની ચકાસણી કરીને રેન્ક આપવામાં આવ્યા છે, જે પૈકી 524 કોલેજમાંથી 34 કોલેજને (એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લૉ, ડેન્ટલ, આર્કિટેક્ચર, એગ્રિકલ્ચર, ફાર્મસી, મેડિકલ, રિસર્ચ અને ઇનોવેશન) સહિતની કેટેગરીમાં ફાઈવ સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે.






