ડિંડોલીમાં એક લગ્ન પ્રસંગમાં રવિવારે રાત્રે ભાજપના સક્રિય કાર્યકર્તા તેમજ ડેનિશ બેકરીના માલિક ઉમેશ તિવારીએ પોતાની લાઇસન્સ રિવોલ્વરમાંથી ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ગોળીથી બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. એકે ફરિયાદ કરતાં પોલીસે ઉમેશની ધરપકડ કરી છે. જો કે, પોલીસે ફરિયાદમાં આરોપીનો બચાવ કરીને લખ્યું છે કે, રિવોલ્વર સરખી કરવા જતાં ભૂલથી ફાયરિંગ થઈ ગયું હતું.
ઉમેશ વોર્ડ નં 27 ડિંડોલી (દક્ષિણ)નો ભાજપનો કાર્યકર્તા છે. કરાડવા રોડ પર મિલેનિયમ પાર્કમાં રહેતા ઉમેશના મિત્રની બહેનના લગ્ન હોવાથી સાઇ શક્તિ સોસાયટીમાં પીઠી સાથે ડીજેનો કાર્યક્રમ હતો. રાત્રે 11.15 વાગ્યે બધા નાચી રહ્યા હતા ત્યારે અચાનક ઉમેશે હવામાં 3 અને 2 રાઉન્ડ જમીન પર ફાયર કર્યા હતા, જેમાં એક ગોળી સંતોષ બધેલનું પેટ ચિરીને થાપાથી નીકળી ગઈ હતી. બીજી વિરેન્દ્ર વિશ્વકર્માના પગમાંથી નીકળી ગઇ હતી. બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉમેશે 2020માં હથિયારનું લાઈસન્સ લીધું હતું. બેકરીનો વ્યવસાય હોય હથિયારની શું જરૂર એવી ચર્ચા છે ત્યારે હવે તેનું લાયસન્સ રદ થઇ શકે છે.
સીસીટીવીમાં દેખાયું હતું કે તિવારીએ હવામાં 3 રાઉન્ડ ફાયર કર્યા હતા. તેની ધરપકડ પછી ભાજપના ધારાસભ્ય સહિત નેતાઓ અને ઝોન 2ના ડીસીપી ભગીરથ ગઢવીની થોડા દિવસ પહેલા મળ્યા તેના ફોટા વાઇરલ થયા હતા. એ જ ઝોનમાં આજે ધરપકડ કરાઇ હતી. ઇજાગ્રસ્ત સંતોષ બધેલે જણાવ્યું કે, મારી સામેના જ ઘરે પ્રસંગ હતો અને ડીજે મારા ઘર પાસે મુક્યું હતું. હું ત્યાં ઊભો હતો ત્યારે અચાનક મને ગોળી ક્યારે વાગી તેની જાણ નથી પણ હું પડી ગયો હતો. સવારે ઉમેશ હોસ્પિટલ પહોંચ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે પરવત પાટિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સવારે ઉમેશ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જોકે, ત્યાર બાદમાં પોલીસે અટક કરી હતી.