ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 14 નવેમ્બરના રોજ અનિમેષ મંડલ નામના વ્યક્તિએ ફ્લાઈટના ક્રૂને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી, ત્યારબાદ ફ્લાઈટનું છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં કુલ 187 મુસાફરો સવાર હતા. પોલીસે જણાવ્યું કે ફ્લાઇટની તપાસ બાદ બોમ્બની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ ખોટી માહિતી આપવા બદલ મંડલની ધરપકડ કરવામાં આવી હતી.