કેનેડા સાથે ચાલી રહેલાં રાજદ્વારી તણાવ વચ્ચે ખાલિસ્તાનીઓએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. કેનેડાના એક સમાચાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે અને શરત મૂકી છે કે તેઓ સ્પષ્ટપણે અલગતાવાદને સમર્થન ન આપે તો જ વિઝા આપવામાં આવશે.
રિપોર્ટમાં ખાલિસ્તાની શીખ-કેનેડિયન નાગરિકોનાં ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. અહેવાલમાં ભારતનાં પગલાને “વિદેશી હસ્તક્ષેપ અભિયાન” તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ મુજબ, ખાલિસ્તાની સમર્થકોને વિઝા આપવા માટે, ભારતે તેમને શપથ લેવા કહ્યું કે તેઓ ભારતની સાર્વભૌમત્વનું સન્માન કરશે અને અલગતાવાદનો ત્યાગ કરશે.
કેનેડિયન ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ, ખાલિસ્તાની નાગરિકોએ દાવો કર્યો છે કે વિઝા મેળવવા માટે, તેમને ખાલિસ્તાન અલગતાવાદનો ત્યાગ કરવા અને લોકતાંત્રિક અને મહાન રાષ્ટ્ર તરીકે ભારતનું સન્માન કરવાનું વચન આપતાં પત્ર પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. ગુરુ નાનક ગુરુદ્વારાના ભૂતપૂર્વ પ્રમુખ બિક્રમજીત સિંહ સંધરે દાવો કર્યો હતો કે 2016 માં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની વિઝા અરજી ભારતે નકારી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલર અધિકારીઓએ તેમને ખાલિસ્તાનને સમર્થન આપવા અને ભારત પ્રત્યેની તેમની નિષ્ઠા જાહેર કરતાં ફોર્મ પર સહી કરવાનું કહ્યું હતું.
જો કે, સંધરે આ ફોર્મ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આવાં જ ફોર્મ અન્ય ખાલિસ્તાની સમર્થકોને પણ આપવામાં આવ્યાં હતાં. જેઓ આ ફોર્મ પર સહી કરવા સંમત થયાં તેમને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.