NIAએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના તાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.
સાણંદના આદિલ વેપારીને ત્યાં પણ NIA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ચેખલાના મદ્રેસામાં આદિલ વેપારી શિક્ષણનું કામ કરે છે. આદિલ વેપારી પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સાંઠગાંઠનો આરોપ છે.આદિલ મૂળ વિરમગામનો રહેવાસી છે. આદિલ પાસેથી દેશ વિરોધી અનેક ડિજિટલ પુરાવા મળ્યા છે. આદિલ છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળે છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વધુને વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવવા બેફામ પ્રચાર કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં NIAની ટીમે પુરાવા શોધીને તપાસ વધુ ઝડપી બનાવી છે.
ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આજે સવારથી NIAની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર કેન્દ્રિત છે. NIAની રેડ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેદનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનો અને તે લોકોની ધરપકડ કરવાનો છે જે ભારતીય યુવાનોને કટ્ટરપંઠી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ છે.