બાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદા મંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું – 1971ની જીત બાંગ્લાદેશની જીત છે, ભારત તેમાં માત્ર એક સાથી તરીકે હતું. નઝરુલે પોતાની પોસ્ટ સાથે પીએમ મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ રાખ્યો છે.
હકીકતમાં પીએમ મોદીએ સોમવારે જ X પર 1971ના યુદ્ધ વિશે પોસ્ટ કરી હતી. તેમણે યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના બલિદાનને સન્માનિત કર્યા અને ભારતની જીતમાં તેમના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું.ભારત અને બાંગ્લાદેશે ગઈકાલે 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની 53મી વર્ષગાંઠ ઉજવી હતી. બંને દેશોએ કોલકાતા અને ઢાકામાં પણ આ જીતને લઈને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
બાંગ્લાદેશમાં ગઈકાલે સવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન અને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે રાજધાની ઢાકામાં રાષ્ટ્રીય સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાંગ્લાદેશે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી પાકિસ્તાનથી આઝાદી મેળવી હતી. બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસને વિજય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે 1971ના યુદ્ધમાં સામેલ આઠ ભારતીય સૈનિકો અને બે સેવા આપતા અધિકારીઓ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઢાકા પહોંચ્યા હતા. મુક્તિ વાહિનીના આઠ સ્વાતંત્ર્ય સેનાની અને બાંગ્લાદેશના બે સૈન્ય અધિકારીઓ કોલકાતા પહોંચ્યા હતા.