જયપુરમાં દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી. ટેન્કરમાં વિસ્ફોટ થતાં કેમિકલ સર્વત્ર ફેલાઈ ગયું અને આગ લાગી ગઈ. અજમેર હાઈવે પર થયેલા અકસ્માતમાં 40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતમાં 4 લોકો જીવતા દાઝી ગયા હતા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ સળગી ગઈ હતી.
હાઈવેની બાજુમાં આવેલી પાઈપ ફેક્ટરીને પણ આ આગની અસર થઈ હતી. તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી ઘાયલોની માહિતી લીધી છે.
મળતી માહિતી મુજબ કેમિકલ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ-ટર્ન લઈ રહ્યો હતો. દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.