સરકારી વિભાગની એફિડેવિટ મુજબ રાજ્યના 33 જિલ્લામાં ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધના કડક અમલીકરણ માટે સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે કોર્ટમાં થયેલી અરજીમાં અરજદારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ દેશમાં ગ્લુ ટ્રેપના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન ઉપર પ્રતિબંધ છે. પ્રિવેન્શન ઓફ ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1960 અંતર્ગત PETA ની અરજી ઉપર ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા 5 સપ્ટેમ્બર 2023ના રોજ પરિપત્ર બહાર પાડીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેના કડક અમલીકરણ માટે આ અરજી કરવામાં આવી છે.
ગ્લુ ટ્રેપ વાપરવા ઉપર પ્રતિબંધ મૂક્યો
હાઇકોર્ટે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે, ગ્લુ ટ્રેપના કારણે નિર્દોષ પ્રાણીઓ, પક્ષીઓ અને માણસના મૃત્યુનું પણ રિસ્ક રહેલું છે. કેનેડાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એન્ડ હેલ્થ દ્વારા ગ્લુ ટ્રેપના ઉપયોગને લઈને ચેતવણી આપવામાં આવી છે. કારણ કે તેની ઉપર પ્રાણી ચોંટી ગયા બાદ જ્યારે તેનું શરીર કામ કરતું બંધ કરે છે, ત્યારે તેમાંથી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક વાયરસ પેદા થતા હોય છે. ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડે ગ્લુ ટ્રેપ વાપરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેનું કડક અમલીકરણ જરૂરી છે. રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ અને ફાર્મ હાઉસ વિસ્તારોમાં તેની પર કડક અમલીકરણની જરૂર છે.