વોટ્સએપએ પેગાસસ સ્પાઇવેર બનાવતી કંપની NSO ગ્રુપ વિરૂદ્ધ દાખલ કેસને જીતી લીધો છે. અમેરિકાની કોર્ટમાં ચાલતા આ કેસમાં જજે વોટ્સએપના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે ઇઝરાયેલી કંપનીએ અમેરિકન હેકિંગ કાયદા અને વોટ્સએપની સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. વોટ્સએપની જીત સાથે જ તેનો આ દાવો સાબિત થાય છે કે 1400 લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. આ 1400 લોકોમાંથી ભારતના 300 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા.મેટાની મેસેજિંગ એપ WhatsAppએ કહ્યું હતું કે, મે 2019માં પેગાસસ દ્વારા ફોન હેક કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતમાં ફરી એક વખત ફોન ટેપિંગને લઇને વિવાદ ઉભો થઇ શકે છે.
પેગાસસના ઉપયોગની વાત કરીએ તો સીનિયર સરકારી અધિકારી, પત્રકાર, માનવ અધિકાર કાર્યકર્તા, રાજકીય અસંતૃષ્ટ અને રાજદ્વારી સામેલ છે. ભારતમાં પેગાસસ કથિત રીતે પત્રકાર, રાજનેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને કેટલાક સામાજિક લોકોના ડિઝિટલ ગેજેટ્સમાં લગાવવામાં આવ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડનના તંત્રએ 2021માં NSO ગ્રુપને બ્લેક લિસ્ટમાં નાખી દીધુ હતું અને અમેરિકન સરકારી એજન્સીઓને તેની પ્રોડક્ટ ખરીદતા રોકી દીધી હતી. પેગાસસનો ઉપયોગ વિશ્વભરના દેશોમાં સત્તાધારી સરકારની પાર્ટીઓએ હેકિંગ અને જાસૂસી માટે કર્યો છે.
વર્ષ 2021માં એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે પેગાસસનો ઉપયોગ 300થી વધુ ભારતીય મોબાઇલ નંબર પર પણ કરવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રી, ત્રણ વિપક્ષી નેતા, ઘણા પત્રકાર અને ઉદ્યોગપતિઓ સામેલ હતા. આ ઘટસ્ફોટથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર સવાલો ઉભા થયા છે. 2021માં મીડિયા રિપોર્ટ્સ બાદ ભારત સરકારે પેગાસસના ઉપયોગના દાવાનું ખંડન કર્યું હતું અને કહ્યું કે તે કોઇ પણ રીતે જાસૂસીમાં સામેલ નથી. તે સમયે સંસદમાં આપવામાં આવેલા એક નિવેદનમાં IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રિપોર્ટમાં કોઇ તથ્ય નથી.
IT મંત્રીએ કહ્યું હતું કે ભારતના સર્વેલન્સ કાયદાઓ ખાતરી કરે છે કે અનધિકૃત દેખરેખ ન થઈ શકે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વૈષ્ણવ પોતે પેગાસસના ઉપયોગનું નિશાન બની શકે છે. ઓગસ્ટ 2022માં ટેકનિકલ જાણકારોની સમિતિને પોતાના દ્વારા તપાસ કરવામાં આવેલા ફોનમાં સ્પાઇવેરના ઉપયોગ પર કોઇ નિર્ણાયક પુરાવા મળ્યા નહતા પરંતુ તેમને કહ્યું કે કેન્દ્ર સરકારે પેનલ સાથે સહયોગ કર્યો નથી. રિપોર્ટ કવરબંધ છે અને ત્યારથી તેને સાર્વજનિક રીતે જાહેર કરવામાં આવ્યો નથી.