વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે નાણામંત્રી તરીકે વિવિધ સરકારી હોદ્દાઓ સંભાળ્યા હતા અને વર્ષોથી દેેશની આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી હતી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. વડાપ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.
વડાપ્રધાને X પર મનમોહન સિંહ સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે ડૉ. મનમોહન સિંહજી વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મારી અને તેમની વચ્ચે નિયમિત વાતચીત થતી હતી. ગવર્નન્સ સંબંધિત વિવિધ વિષયો પર અમે વ્યાપક ચર્ચાઓ કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા દેખાતી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જી એવા દુર્લભ રાજકારણીઓમાંથી એક હતા જેમણે શિક્ષણ અને વહીવટની દુનિયામાં સમાન સરળતા સાથે કામ કર્યું હતું. જાહેર કચેરીઓમાં તેમની વિવિધ ભૂમિકાઓમાં, તેમણે ભારતીય અર્થતંત્રને સુધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા, તેમના દોષરહિત રાજકીય જીવન અને તેમની અત્યંત નમ્રતા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું નિધન આપણા બધા માટે મોટી ખોટ છે. હું ભારતના મહાન સપૂતોમાંના એકને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું.
 
			

 
                                 
                                



