એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓક્ટાએફએક્સ સાથે સંકળાયેલી અને રશિયન નાગરિક પાવેલ પ્રોઝોરોવ દ્વારા કથિત માસ્ટરમાઈન્ડ કરાયેલી રૂા. 800 કરોડની પોન્ઝી સ્કીમમાં ચાર્જશીટ દાખલ કરી છે. કુલ નવ વ્યક્તિઓ તથા 41 પેઢીઓ સામે બીજી ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં કાર્યરત ઓક્ટાએફએક્સએ આઈપીએલ ટીમોની સ્પોન્સરશીપ અને ઈન્ફ્લ્યુઅન્સર પ્રમોશન સહિત આક્રમક માર્કેટિંગ દ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું પણ પોતાની છેતરપિંડી આબાદ છુપાવી રાખી હતી. સ્કીમમાં નબળા જૂથો સહિત રોકાણકારોને અભૂતપૂર્વ વળતરના વચનો સાથે લલચાવવામાં આવતા હતા. ઈન્ટ્રોડયુસરો તરીકે ઓળખાતા દલાલો રોકાણ આકર્ષવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા અને તેમને વૈભવી ભેટો અને બોનસ જેવા જોરદાર વળતર આપવામાં આવતા હતા.
મહારાષ્ટ્રના પુણેમાં શિવાજીનગર પોલીસ મથકમાં 2021 માં કેટલાક બ્રોકર સામે થયેલી ફરિયાદના આધારે ઈડીએ આ પોન્ઝિ સ્કેમની તપાસ શરુ કરી હતી. લોકોને પાંચ મહિને બમણા અને આઠ મહિને ત્રણ ગણાં વળતરની લાલચ અપાઈ હતી. અનેક મૂકબધિર રોકાણકારો પણ આ પોન્ઝિ સ્કીમમાં ફસાયા હતા. તપાસમાં જણાયું હતું કે ઓક્ટાએફએક્સ નિષ્ક્રિય ખાતા, શેલ સંસ્થાઓ અને જટિલ મની લોન્ડરીંગ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. રોકાણકારો પાસેથી એકત્ર કરેલું ભંડોળ બનાવટી આયાત ઓર્ડર હેઠળ બોગસ એકાઉન્ટ અને ઈ-વેલેટ, શેલ કંપનીઓ અને વિદેશ ટ્રાન્સફર દ્વારા મોકલી દેવામાં આવતું. માત્ર નવ મહિનાના સમયગાળામાં જ 800 કરોડ રુપિયાનું રોકાણ મેળવાયું હોવાનું કહેવાય છે.
પારદર્શિતા અને સહયોગના દાવા છતાં ઓક્ટાએફએક્સ પર વેપારી ગતિવિધિમાં છેતરપિંડી કરવાનો અને રોકાણકારોને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. પાવેલ પ્રોઝોરોવે આંતરરાષ્ટ્રીય ભંડોળ લોન્ડરીંગ માટે બોગસ સંસ્થાઓનો ઉપયોગ કરીને નિયામકની છટકબારીઓનો ગેરલાભ લીધો હોવાનું મનાય છે. ઈડીએ તેની સાથે સંકળાયેલી સ્પેનમાં 19 મિલકતો સહિત કુલ રૂા. 165 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. બીજી મહત્ત્વની વ્યક્તિ અન્ના રુડાઈયાએ ઓક્ટાએફએક્સના ભારતીય સંચાલનો સંભાળ્યા હતા અને ગેરકાયદે વેપારને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ મની લોન્ડરીંગની સુવિધા પૂરી પાડી હતી. તેને સમન્સ આપવા છતાં તે દેશ છોડીને નાસી ગયો અને હજી પણ વિદેશના સંચાલનો દૂરથી સંભાળી રહ્યો છે. તેની સંડોવણી ઓક્ટાએફએક્સના નિયામક માળખા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિને છુપાડવા સુનિયોજિત પ્રયાસો કરાયા હોવાનું સાબિત કરે છે.
હાલ ઈડીની તપાસ ચાલી રહી છે અને તેણે કંપની તેમજ તેના સંચાલકો સામે ફરિયાદો દાખલ કરી છે તેમજ તેની મહત્ત્વની મિલકતો જપ્ત કરી છે. આવી સ્કીમથી અનિયંત્રિત ટ્રેડિંગ પ્લેટફોર્મના જોખમો અને રોકાણકારોને જટિલ નાણાંકીય છેતરપિંડીથી બચાવવા સખત નિયમોની જરૂર ઉજાગર થઈ છે.