બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ માત્ર 155 રન સુધી જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હારને કારણે ભારતીય ટીમ હવે સિરીઝમાં 1-2થી પાછળ છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 84 રનની ઇનિંગ રમી હતી, પરંતુ થર્ડ અમ્પાયરના ખરાબ નિર્ણયે તેની ઇનિંગનો અંત લાવી દીધો હતો. હવે છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
મેલબોર્ન ટેસ્ટના અંતિમ દિવસે સોમવારે ટીમ ઈન્ડિયાને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં ટીમ ઈન્ડિયા માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટોપ ઓર્ડરના બેટર્સના ખરાબ પ્રદર્શનને કારણે ભારતે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યશસ્વી સિવાય પ્રથમ ત્રણ બેટર્સ રોહિત શર્મા (9), કેએલ રાહુલ (0) અને વિરાટ કોહલી (5) સિંગલ ડિજિટ રનમાં જ આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે 3 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લાયન અને ટ્રેવિસ હેડને એક-એક વિકેટ મળી હતી.
71મી ઓવર દરમિયાન યશસ્વી જયસ્વાલની વિકેટને લઈને વિવાદ ઉભો થયો હતો. હકીકતમાં, તેને ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો. આવી સ્થિતિમાં પેટ કમિન્સે DRS લીધું. રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું કે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝને લાગ્યો ન હતો, પરંતુ અપૂરતા પુરાવા હોવા છતાં ત્રીજા અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. નિયમ પ્રમાણે, પુરાવાની ગેરહાજરીમાં ચુકાદો બેટિંગ કરનારાઓની તરફેણમાં જાય છે.