મુંબઈ કોર્ટના નામે શહેરની એક યુવતીને મોબાઇલ ફોન ઉપર નોટિસ મોકલી નોટિસ રદ કરાવવા માટે 22 હજાર તાત્કાલિક ભરવા માટે જણાવતા યુવતી ગભરાઇ ગઈ હતી. વકીલનો સંપર્ક કરતા આ નોટિસ બનાવટી હોવાની અને માત્ર રૂપિયા પડાવવા માટે બનાવી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે રાષ્ટ્રીય હેલ્પ લાઇન ઉપર ફરિયાદ કરવામાં આવી છે.
શહેરમાં રહેતી એક યુવતીને મુંબઈની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના નોટિસ ડિપાર્ટમેન્ટના નામે નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં શહેરમાં રહેતી યુવતીનું નામ સરનામું લખ્યું હતું અને નિયમોના ભંગ બદલ નિકાલનું મથાળું માર્યું હતું. અને જણાવ્યું હતું કે કોર્ટે તમને તમારો મામલો પતાવવા અને દંડ ભરવા પૂરતો સમય આપ્યો છે.પરંતુ તમે દંડ ભરી નિકાલ લાવ્યા નથી એટલે કોર્ટ તમારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે અદાલતે નક્કી કર્યું છે કે તમારી સામે ચાલી રહેલા 2.75 લાખનાં લેણા અંગે તમારે કોર્ટમાં હાજર થવું પડશે જેમાં ચૂક થશે તો ભારતીય દંડ સંહિતા મુજબ તમારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અધિકાર છે. જેથી આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી અને નોટિસ રદ કરાવવી.
નોટીસમાં એમ પણ જણાવ્યું છે કે તમારી સામે હજી સુધી મુકદમો ગઢવામાં આવ્યો નથી અને તમે નોટિસ રદ કરાવી કોર્ટ બહાર સમાધાન નહિ કરો તો તમારે કોર્ટ સમક્ષ આગામી મુદતે હાજર રહેવું પડશે. અને આ નોટિસ રદ કરાવવા માટે તમારે 22 હાજર જેટલી રકમ આપવી પડશે. એ માટે આઉટ સોર્સ કંપનીનાં જવાબદાર વ્યક્તિનો નંબર આપ્યો છે. આ પ્રકારની નોટિસ શહેરની યુવતીને મળતાં એને પરિવારજનોને વાત કરી હતી. પરિવારજનોએ વકીલનો સંપર્ક કર્યો હતો. નોટિસ જોઈને વકીલે આ નોટિસ નકલી હોવાનુ જણાવ્યું હતું. બાદમાં આ અંગે સાયબર ક્રાઈમની રાષ્ટ્રીય હેલ્પ લાઈનને ફરિયાદ કરી નોટિસની વિગતો અને સ્ક્રીન શોટ મોકલ્યો હતો.
સાયબર એક્સપર્ટ આશિષ પટેલે જણાવ્યું છે કે, અગાઉ અનેક સ્કેમ જોયા છે પરંતુ કોર્ટની નોટિસ, એના સેટલમેન્ટ માટે રૂપિયાની માંગણી એ નવી ટેકનિક છે.સામાન્ય માણસ કોર્ટની નોટિસ થી ગભરાઈ જાય છે પરંતુ અદાલત કોઈ કિસ્સામાં મોબાઈલ ઉપર નોટિસ મોકલતી નથી.આવા કિસ્સામાં કાયદાના જાણકાર અને વકીલને નોટિસ બતાવવી જોઈએ જેથી ખોટી વાત ખબર પડે.