કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમની 10 વર્ષ જૂની સત્તાનો અંત આવ્યો. ટ્રુડોએ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 10 વાગ્યે રાજીનામાની જાહેરાત કરી હતી. જસ્ટિન ટ્રુડોના રાજીનામા પહેલા એક અધિકારીએ કહ્યું હતું કે, સરકાર સામે વધતા અસંતોષને કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે. ટ્રુડો ઉપરાંત નાણામંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં કેનેડાના રાજકારણમાં અસ્થિરતા વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવા માગું છું પછી પાર્ટી તેના આગામી નેતાની પસંદગી કરે છે… ગઈકાલે રાત્રે મેં લિબરલ પાર્ટીના અધ્યક્ષને તે પ્રક્રિયા શરૂ કરવા કહ્યું’. એક અધિકારીએ જણાવ્યું કે લિબરલ પાર્ટી 24 માર્ચ સુધીમાં તેના નવા નેતાની પસંદગી કરશે. રાજકીય ઉથલપાથલ વચ્ચે કેનેડામાં સામાન્ય ચૂંટણી ક્યારે યોજાશે તે સ્પષ્ટ નથી.
શાસક લિબરલ પાર્ટીના આગામી નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડા પ્રધાન રહેશે. અધિકારીએ ગોપનીયતાની શરતે જણાવ્યું હતું કે દેશની સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી શરૂ કરવાનો પ્રસ્તાવ હતો. હવે રાજીનામાના કારણે સંસદની કાર્યવાહી 24 માર્ચ સુધી સ્થગિત રહેશે.
નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડો 2015માં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર પડી ગયા બાદ વડાપ્રધાન બન્યા હતા. છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા ટ્રુડો શરૂઆતના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ટીકાકારોના નિશાના પર છે.