કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બુચરવાડામાં આવેલી હોટેલ કેશવમાં ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ થયો છે. બે યુવક એક યુવતી સાથે મળીને હોટેલમાં આવતાં ગ્રાહકોને ફસાવતા હતા. જેમાં ખાસ કરીને સ્પાની આડમાં રૂમમાં સેટ કરેલા સીક્રેટ કેમેરામાં બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયાનો તોડ કરતા હતા.
મળતી માહિતી મુજબ દીવના બુચરવાડા ચેક પોસ્ટ પાસે આવેલી હોટેલ કેશવ સંજય રાઠોડ નામના શખસે ભાડા પેટે રાખેલી છે. જેમાં તેણે અલ્તમશ અબ્બાસ મન્સુરી નામના એક શખસ અને અન્ય એક યુવતી સાથે મળીને સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં આ બંને યુવક યુવતીને સાથે રાખી સ્પાની સર્વિસ આપતા હતા. જે બાદ બંને યુવક ગ્રાહકોને સ્પા ઉપરાંત વધુ સર્વિસ આપવાની લાલચ આપતા અને યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. જે દરમિયાન હોટેલના રૂમમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સેટ કરેલા સીક્રેટ કેમેરામાં ગ્રાહકોના અંગત પળોના વીડિયો કેદ કરી લેતાં હતા. જે બાદ તેઓ ગ્રાહકોને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયાની માંગણી કરતા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવ દ્વારા જણાવાયું હતું કે, 25 ડિસે.ના રોજ હોટેલ કેશવમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે જે માહિતી મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં હોટેલમાંથી સંજય રાઠોડ અને અલ્તમશ મન્સુરી નામના બે બ્લેકમેલરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસે રહેલા મોબાઈલ ફોન તેમજ રૂમમાં રાખેલો સિક્રેટ કેમેરો સીઝ કરવામાં આવ્યો હતો. કબજે લીધેલા મોબાઈલમાંથી અમને અલગ-અલગ લોકોના પ્રાઇવેટ(બીભત્સ) વીડિયો પણ મળી આવ્યા હતા.
હોટેલમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છેલ્લા 6 માસથી ચાલતી હતી.
કેશવ હોટેલમાં સ્પાના નામે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છેલ્લા 6 માસથી ચાલતી હતી. જેની જાણ દીવના વણાકબારા પોલીસને થતાં દીવ જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવના માર્ગદર્શન હેઠળ વણાકબારા પો.સબ.ઈન્સ.આર.કે.ગાવિત, પો.સબ.ઈન્સ.નિલેશ કાટેકર સહિતનાઓએ કેશવ હોટેલમાં રેડ કરી હતી. જેમાં પોલીસે હોટેલના રૂમ નં.203માં ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલા સિક્રેટ કેમેરા અને મોબાઈલમાંથી વીડિયો અને રેકોર્ડિંગ કબજે કર્યા હતા.