ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં હતા. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકીતાહીર શેખ (ઉ.વ. 32), આયર્ન ચોગલે (ઉ.વ.23), મુદ્દસરન જાટ (ઉ.વ.25) એ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જ્યાં તેમને સારવાર મળી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મુંબઇ જતાં એક પરિવારની અર્ટિગા કારે કાબૂ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અર્ટિગા કારનો બુકડો બોલી ગયો હતો.
મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્ષની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્ષની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે.