મુંબઈના સાયન વિસ્તારમાં સ્કૂલના બાળકો વચ્ચેની લડાઈએ હિંસક વળાંક લઈ લીધો છે. બેન્ચ પર બેસવાને લઈને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે બે વિદ્યાર્થીઓને છરીના ઘા મારી ઈજા થઈ હતી. આ ઘટના બાદ બંને આરોપી વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને તેમને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, સોમવારે મુંબઈના સાયન વિસ્તારની એક શાળામાં બે બાળકો વચ્ચે તેઓ ક્યાં બેસશે તે મુદ્દે બોલાચાલી થઈ હતી. આ લડાઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી જેમાં એક બાળકે છરી કાઢી હતી અને બીજા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. બાળકોને ગંભીર ઈજાઓ થઈ હતી જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, શાળામાં 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી હતી અને 10મા ધોરણના વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં બેન્ચ પર બેસવાને લઈને ચર્ચા શરૂ થઈ હતી. થોડા સમય પછી આ દલીલ મારામારીમાં ફેરવાઈ ગઈ. થોડી જ વારમાં આરોપી વિદ્યાર્થીએ બેગમાંથી છરી કાઢી અને બે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. આ પછી શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને સ્ટાફે તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.