હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાછા ખાતે મીની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણાંં કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, મોડીરાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળીયાસીયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.