જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે LoC પાસે લેન્ડમાઈન બ્લાસ્ટમાં સેનાના 6 જવાનો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં થયો હતો.મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોરખા રાઈફલ્સના જવાનોની ટુકડી રાજૌરીના ખંબા કિલ્લા પાસે સવારે 10.45 વાગ્યે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો.
તમામ ઘાયલોને સારવાર માટે 150 જનરલ હોસ્પિટલ (GH) રાજૌરીમાં લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જવાનોને સામાન્ય ઈજા થઈ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 10:45 વાગ્યે નૌશેરાના ખંભા ફોર્ટ પર પેટ્રોલિંગ દરમિયાન એક જવાને ભુલથી લેન્ડમાઈન પર પગ મૂક્યો હતો. જેના કારણે બ્લાસ્ટ થયો હતો. LoC નજીક ઘૂસણખોરી રોકવા માટે આ લેન્ડમાઈન નાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લેન્ડમાઈન કેટલીકવાર પોતાની જગ્યાએથી હટી જાય છે, તેથી આવા અકસ્માતો થાય છે.