તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખો જાહેર થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત ભાજપના જિલ્લા-શહેર પ્રમુખની યાદી તૈયાર થઈ ગઈ છે તેમજ હાલ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં જ છે. તેઓ 16 જાન્યુઆરીની સાંજે દિલ્હી જવા રવાના થવાના હોવાથી એ પહેલાં જ યાદી જાહેર થવાની શક્યતા છે.
રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ, હાલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે યાદી આવી ગઈ છે, જેથી હવે ગમે તે ઘડીએ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનાં નામ જાહેર થઈ જશે. શહેર અને જિલ્લાના પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. 33 જિલ્લા પ્રમુખ અને આઠ શહેર પ્રમુખ મળી 41 જગ્યા માટે ત્રણસો ગણાથી વધુ એટલે કે 1300 આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી.
બૂથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી પર સૌકોઈની નજર છે. શહેર-જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી પાર્ટી માટે પસંદગી થોડી મુશ્કેલ બની છે. ત્યારે અનેક જિલ્લાઓમાં દાવેદારો સિવાય કોઈ અન્યની પેરાશૂટ એન્ટ્રી થવાની પણ શક્યતા છે.
રાજ્યમાં આવનારા મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે, સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદને લઈ હાઇકમાન્ડ પણ એલર્ટ થઈ ગયું છે.