ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી રવિવારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળ પહેલા અભિનંદન આપવા માટે મળ્યા હતા. અહેવાલ મુજબ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી દંપતીને મહત્વની બેઠક મળશે. તે ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને ચૂંટાયેલા અધિકારીઓ સાથે બેસશે. આ સિવાય કેબિનેટ સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ હશે, જેમાં અંબાણી પરિવાર હાજરી આપશે.
નીતા અને મુકેશ અંબાણીને આશા છે કે ટ્રમ્પ સરકાર દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે. આ સાથે તેમણે ટ્રમ્પને તેમના નવા પરિવર્તનકારી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.ટ્રમ્પ અને અંબાણી પરિવાર વચ્ચે ઘણા સારા સંબંધો છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પે તેના પતિ સાથે હાજરી આપી હતી.
શપથ ગ્રહણમાં 3 પૂર્વ રાષ્ટ્રપતિ હાજર રહેશે, મિશેલ ઓબામા નહીં આપે હાજરી
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ જો બાઇડન, તેમની પત્ની જીલ બાઇડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમહોફ હાજર રહેશે. જો કે છેલ્લી વખત ટ્રમ્પે બાઇડનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો ન હતો. અમેરિકાના 150 વર્ષના ઈતિહાસમાં આવું કરનાર તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હતા.ટ્રમ્પની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિની જવાબદારી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે નિભાવી હતી. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યોર્જ ડબલ્યુ બુશ, તેમની પત્ની લૌરા બુશ અને બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર હોવાનું કહેવાય છે. મિશેલ ઓબામા સમારોહમાં હાજર નહીં રહે.