અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું.
રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે 78 વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને 82 વર્ષના જો બાઈડેનના ઉત્તરાધિકારી બનશે. અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ 2017થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે. ટ્રમ્પ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક સહિત ટ્રમ્પના કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ જ ગ્રુપે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે જાન્યુઆરી 2017માં પણ તેમનો વિરોધ કર્યો હતો.
રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે ત્રણ વિવિધ પાર્કમાં શ્રેણીબદ્ધ દેખાવો શરૂ થયા હતા અને તેઓ લિંકન મેમોરિયલ નજીક એકત્ર થયા હતા. પીપલ્સ માર્ચે જણાવ્યું હતું કે, સામુહિક વિરોધ અમારી કોમ્યુનિટીસની તાકત દર્શાવવાની સૌથી અસરકારક રીત છે. અમે ફાસીવાદ સામે ઝૂક્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં આ રેલીઓ અને દેખાવો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યોગાનુયોગ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારંભ માટેના વીકએન્ડ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે.
દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે 100 થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે. આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે.
ટ્રમ્પના સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે દક્ષિણની સરહદ સીલ કરવા, ગેરકાયદે વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી, મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર્સને દૂર કરવા, એનર્જી એક્સ્પ્લોરેશન પરના પ્રતિબંધો દૂર કરવા અને સરકારની કાર્યક્ષમતામાં સુધારા સહિતના આદેશો પર હસ્તાક્ષર કરશે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પહેલાં 6 જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલ પર હુમલામાં કાયદાકીય એજન્સીઓએ ધરપકડ કરેલા ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના આદેશો પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.