બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવ, ટીવી એક્ટર કપિલ શર્મા સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઇમેલ મળ્યા છે. પહેલા એક્ટર રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને ધમકી આપતા ઇમેલ મળ્યા હતા. તે બાદ કોમેડિયન કપિલ શર્માને પણ ધમકી આપતો મેલ મળ્યો છે. પોલીસે આ ઘટનાને લઇને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અનુસાર ધમકી આપતા આ ઇમેલ પાકિસ્તાનથી આવ્યા છે. ધમકી આપતા મેલમાં સેલેબ્સના પરિવારને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર રાજપાલ યાદવ, સુગંધા મિશ્રા અને રેમો ડિસોઝાએ મુંબઇ પોલીસમાં આ ઘટનાને લઇને ફરિયાદ નોંધાવી છે. મુંબઇ સ્થિત અંબોલી પોલીસે સેક્શન 351 (3) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસમાં ખબર પડી કે ઇમેલનો આઇપી એડ્રેસ પાકિસ્તાનનો છે. રિપોર્ટ્સ અનુસાર કપિલ શર્મા અને તેમની ટીમને ધમકી એટલા માટે આપવામાં આવી છે કારણ કે તેમના શોને સલમાન ખાન સ્પોન્સર કરે છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇમેલ મળ્યા બાદ કપિલ શર્મા અને તેમની ટીમને સુરક્ષા આપવામાં આવશે.
જે જાણકારી સામે આવી છે તેના અનુસાર, મેલ મોકલનારાએ પોતાનું નામ વિષ્ણુ જણાવ્યું છે. જે મેલ આઇડીથી મેલ આવ્યો છે તે-don99284@gmail.com છે. મેલમાં દાવો કરવામાં આવ્યો છે કે જે શખ્સે મેલ મોકલ્યો છે તે સેલેબ્સના એક્શનને મોનિટર કરી રહ્યો છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે આ મેલ કોઇ પબ્લિસિટી સ્ટંટ નથી.
મેલમાં લખ્યું હતું: “અમે તમારી તાજેતરની ક્રિયાઓ પર નજર રાખી રહ્યાં છીએ. અમે માનીએ છીએ કે એક સંવેદનશીલ બાબત તમારા ધ્યાન પર લાવીએ તે મહત્ત્વપૂર્ણ છે. આ કોઈ સાર્વજનિક સ્ટંટ અથવા તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. અમે તમને આ મેસેજને ખૂબ ગંભીરતાથી લેવા વિનંતી કરીએ છીએ અને તેને ગુપ્ત રાખવાની રિકવેસ્ટ કરીએ છીએ.આમ ના કરવા પર ખતરનાક પરિણામો પણ આવી શકે છે જે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ પર અસર કરી શકે છે. અમે આગામી 8 કલાકની અંદર તમારા જવાબની આશા કરીએ છીએ.જો અમને કોઇ રિપ્લાય નથી મળતો તો અમે માની લઇશું કે તમે આ ઘટનાને ગંભીરતાથી નથી લઇ રહ્યાં અને અમે જરૂર કાર્યવાહી કરીશું.”