ગુજરાતના નાના શહેરો અને જિલ્લાઓના ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખીને ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આણંદના ખંભાત નજીકથી અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસની ટીમ દ્વારા 100 કિલોગ્રામથી વધુનો તો ઝડપી પાડ્યો છે જેની કિંમત રૂ.100 કરોડથી વધુ થાય છે. છેલ્લા એક અઠવાડિયાથી ફેક્ટરીમાં આ જથ્થો બનાવવામાં આવતો હતો.
ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત નજીક સોખડા પાસે એક ફેક્ટરી આવેલી છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેના આધારે એટીએસની ટીમ દ્વારા ગુરુવારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ફેક્ટરીમાં દરોડો પાડતા કુલ સાત લોકો મળી આવ્યા હતા. એટીએસએ જ્યારે તપાસ કરી ત્યારે ઊંઘની દવા અલ્પ્રાઝોલમ બનાવવા માટે જે ડ્રગનો ઉપયોગ થતો હોય છે તે મળી આવ્યું હતું. પોલીસે જ્યારે ફેક્ટરીમાં જથ્થામાં તપાસ કરી ત્યારે અંદાજિત 100 કિલોથી વધુ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો.
આ ડ્રગની બજાર કિંમત એક કિલોનો એક કરોડ રૂપિયા જેટલો ભાવ થાય છે. જેથી 100 કરોડથી વધુ નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ એટીએસ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે આરોપીઓની હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ ડ્રગનો જથ્થો કેવી રીતે બનાવતા હતા અને ક્યાં સપ્લાય કરવાનો હતો અન્ય કોઈ આ કૌભાંડમાં સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.