મૌની અમાવસ્યા પર પ્રથમ ત્રણ શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું હતું. સાધુઓ અને સંતો નાનાં-નાનાં ગ્રુપમાં તેમના ઈષ્ટદેવ સાથે સંગમ સ્નાન કરી રહ્યા છે. જૂના અખાડાના નાગાસાધુઓએ તલવારો લહેરાવી. આજે ભાગદોડ બાદ જગદગુરુ રામભદ્રાચાર્ય સહિત ઘણા મહામંડલેશ્વરોએ પોતાના રથ પાછા આપી દીધા છે.આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિ મહારાજ, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાસાનંદગિરિ મહારાજે સંગમમાં અમૃત સ્નાન કર્યું હતું. હેલિકોપ્ટરમાંથી સંતો અને ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
બીજેપી સાંસદ હેમા માલિની, કથાકાર દેવકીનંદન ઠાકુર સ્નાન કરી ચૂક્યાં છે. બપોરે 12 વાગ્યા સુધી 4.24 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું. મહાકુંભમેળા અને પ્રયાગરાજ શહેરમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે. વહીવટીતંત્ર નજીકના ઘાટો પર સ્નાન કરીને શ્રદ્ધાળુઓને પરત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.