ઢાકામાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને બુધવારે પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની પુત્રી અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના લોકોને ‘ઓનલાઈન’ સંબોધિત કરી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાજધાનીના ધનમંડી વિસ્તારમાં સ્થિત ઘરની સામે સાંજથી હજારો લોકો એકઠા થયા હતા. આ ઘરને અગાઉ મેમોરિયલ મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર “બુલડોઝર સરઘસ” માટે બોલાવવામાં આવ્યા હતા કારણ કે હસીના સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે તેમનું સંબોધન આપવાના હતા. હસીનાના સંબોધનનું આયોજન અવામી લીગની હવે વિખેરાયેલી વિદ્યાર્થી પાંખ છત્રા લીગ દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં પૂર્વ વડાપ્રધાને દેશવાસીઓને વર્તમાન શાસન સામે પ્રતિકાર સંગઠિત કરવા હાકલ કરી હતી.
હસીનાએ નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસની સરકારનો ઉલ્લેખ કરતા દેખીતી રીતે જણાવ્યું હતું કે, “તેમની પાસે હજુ પણ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને લાખો શહીદોના જીવનની કિંમતે અમે જે સ્વતંત્રતા મેળવી છે તેને બુલડોઝ કરવાની તાકાત નથી.” તેમણે કહ્યું, “તેઓ ઈમારતને તોડી શકે છે, પરંતુ ઈતિહાસ નહીં. પરંતુ તેઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે ઈતિહાસ તેનો બદલો લે છે.”