ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆજથી ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટના સહ-અધ્યક્ષ હશે. AI સમિટ બાદ PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સની CEO સમિટને સંબોધિત કરશે.
PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ કરશે. 12 ફેબ્રુઆરીએ, બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. બંને નેતાઓ માર્સેઇલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ PM મોદી ફ્રાન્સથી અમેરિકા જશે.
વિદેશી મીડિયાના જણાવ્યા અનુસાર વિશ્વભરના નેતાઓ AIના પડકારો અને જોખમો પર વિચાર-વિમર્શ કરશે. આ સમિટનો ઉદ્દેશ્ય ટેકનોલોજી દ્વારા ઉભા થતા અસંખ્ય જોખમોને પહોંચી વળવા અને બધાને લાભ આપવા માટે AI ની ક્ષમતાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શોધવાનો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. તેઓ પેરિસમાં AI સમિટમાં હાજરી આપશે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ખાસ રાજદૂતને મોકલશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વાન ડેર લેયેન 80 દેશોના અધિકારીઓ અને CEO સાથે ભાગ લઈ રહ્યા છે, જેમાં ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેન, માઈક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે.
UKમાં 2023માં યોજાયેલી સમિટમાં 28 દેશોએ AIથી થતાં જોખમોથી બચવા મળીને પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પરિષદ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ચીનનું ઓછા ખર્ચે વિકસિત AI ટૂલ ડીપસીકે (DeepSeek) ટેકનોલોજીકલ વર્ચસ્વને લઈને બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે ભૂ-રાજકીય (Geo-Political) મુકાબલો વધારી દીધો છે.