અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી જતા પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. બંને બાળકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 10/02/25ના પરોઢિયે 3:37 વાગ્યા પહેલાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદ ટોલ પ્લાઝાથી આશરે 500 મીટર વડોદરા તરફથી ફોરવ્હીલર ચાલક વિશાલ ગણપતલાલ જૈન (ઉ.વ.-36 રહે. મ.નં.4 મયૂર ફલેટ, જૈન કોલોની, તેરાપંથ ભવન પાસે, શાહીબાગ, અમદાવાદ)એ પોતાની ફોરવ્હીલ GJ-01-WR-0789ને પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી હતી. પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેમની ગાડીની આગળ જતી આઇસર MH-04-MH-2688ને પાછળથી ટક્કર મારી હતી. મૃતકનું ફોરવ્હીલર આઇસરની પાછળ અંદર ઘૂસી જતા કારચાલક અને તેમની પત્ની ઉષાબેન (ઉ.વ.34)ના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર બંને પતિ-પત્નીનાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. મૃતકના પરિવારને પણ જાણ કરી I-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.