વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે હોવાથી દિલ્હીના મુખ્યમંત્રીપદની શપથવિધિ 23મી ફેબ્રુઆરી પછી થઇ શકે છે. 27 વર્ષ પછી ફરીથી સત્તામાં આવવાને કારણે ભાજપના નેતાઓ મુખ્યમંત્રીના સોગંધવિધિ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવા માંગે છે. મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દોઢ કલાક સુધી બંધ બારણે બેઠક કરી હતી.
ભાજપ અને RSSના નેતાઓ હજુ વધુ બેઠકો કરી શકે એમ છે. અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્માનું નામ મુખ્યમંત્રી તરીકે લેવાય છે પરંતુ બિહાર વિધાનસભાની આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ કદાચ દલિત ચહેરાને પણ મુખ્યમંત્રી બનાવે. આજે દેશના એક પણ રાજ્યમાં દલિત મુખ્યમંત્રી નહીં હોવાથી ભાજપના કેટલાક નેતાઓ માને છે કે દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો રાજકીય રીતે ભાજપને મોટો ફાયદો થઇ શકે એમ છે. દિલ્હીની SC સીટ જેના પર ભાજપના રવિન્દર ઇન્દ્રરાજ સિંઘ, રાજકુમાર ચૌહાણ, કૈલાશ ગંગવાલ, કુ.રિન્કુને જીત મળી છે
દિલ્હીમાં 12 બેઠક દલિત સમુદાય માટે અનામત છે, જેમાંથી 8 બેઠકો પર આમ આદમી પાર્ટીને જીત મળી છે જ્યારે ચાર બેઠક ભાજપના ખાતામાં ગઇ છે. આ સિવાય દિલ્હીની કેટલીક અન્ય વિધાનસભા બેઠકો પર જ્યાં દલિત સમુદાયની સારી વસ્તી છે ત્યાં પણ ભાજપને વધુ સફળતા મળી નથી. દિલ્હીમાં વિધાનસભાની 36 બેઠક એવી છે જ્યાં દલિત સમુદાયની વસ્તી 15% કરતા વધારે છે, જેમાંથી 21 બેઠક પર ભાજપ જીત્યું છે અને તેમાંથી 8 બેઠક એવી છે જ્યાં દલિત સમુદાયના મતદાર 20% કરતા વધારે છે. ભાજપને માત્ર આવી ત્રણ બેઠક પર જીત મળી છે જ્યા દલિતોની વસ્તી 25 ટકા કરતા વધારે છે.જો દલિત સમુદાયની વધુ વસ્તી ધરાવતી બેઠકો પર આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જોઇએ તો AAPએ 10 બેઠક જીતી છે જ્યાં દલિત સમુદાયની વસ્તી 20% કરતા વધારે છે. ત્રિલોકપુરી વિધાનસભા બેઠક પર જ્યાં દલિત વસ્તી 25% કરતા વધારે છે ત્યાં ભાજપે આમ આદમી પાર્ટીને માત્ર 392 મતે હરાવી છે.