અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. પારસ્પરિક ટેરિફનો અર્થ એ છે કે કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદશે, અમેરિકા પણ તે દેશના માલ પર તેટલા જ ટેરિફ લાદશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, તેમણે ગુરુવારે રાત્રે (ભારતીય સમય મુજબ 12 : 30વાગ્યે) આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે હજુ સુધી આ ટેરિફ કયા દેશો પર લાદવામાં આવશે તેની માહિતી આપી નથી. જોકે, તેમણે કહ્યું છે કે જે પણ દેશો અમેરિકા પર ટેરિફ લાદે છે, અમેરિકા પણ તેમના પર એટલા જ ટેરિફ લાદશે.
ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગમાં ભારત પર ખૂબ ઊંચા ટેરિફ લાદવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, ટેરિફ લાદવામાં ભારત સૌથી ઉપર છે. કેટલાક નાના દેશો એવા છે જે તેનાથી પણ વધુ ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારતના ટેરિફ ખૂબ વધુ છે. ટ્રમ્પે આગળ કહ્યું, “મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરબાઈક વેચી શકતી ન હતી કારણ કે ભારતમાં ટેક્સ ખૂબ ઊંચા હતા, ટેરિફ ખૂબ ઊંચા હતા, અને હાર્લીને ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી. મને લાગે છે કે ટેરિફથી બચવા માટે તેમને ભારતમાં ફેક્ટરી સ્થાપવી પડી હતી. અમે પણ એવું જ કરી શકીએ છીએ. ટેરિફથી બચવા માટે તેઓ અહીં ફેક્ટરી અથવા પ્લાન્ટ સ્થાપી શકે છે.”
ટ્રમ્પે ડોલરની જગ્યાએ કોઈ અન્ય કરન્સીના ઉપયોગ પર BRICS દેશોને 100% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું- જે દિવસે આ દેશોએ આવું કર્યું, તેઓ તે દિવસે જ ટેરિફ ન લગાવવાની ભીખ માગશે. જે સમયે હું આવું કરીશ, BRICS ખતમ થઈ જશે.