જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ પૂર્ણ થઈ ગયું છે. 6 વાગ્યા સુધીનું સરેરાશ 57 ટકા મતદાન થયું છે. 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. 2018માં યોજાયેલી 75 નગરપાલિકામાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે 57 ટકા વોટિંગ થતાં ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં 8 ટકાનો ઘટાડો થયો છે. હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
જૂનાગઢ મહાનગર પાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરિફ થયા છે. કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાઈ છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે, જેમાં 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે.આમ કૂલ 212 ઉમેદવાર બિન-હરીફ ચૂંટાઈ આવ્યા છે.