ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૫ થી ૮ ના પ્રતિભાશાળી ૬૬ બાળકો તેમજ આ વર્ષે પ્રથમ વખત લેવાયેલ નિર્ણય મુજબ જે બાળકોના માતા અને પિતા બંને ન હોય તેવા નિરાધાર ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં ૪૨ બાળકોને પણ આ પ્રવાસમાં સામેલ કરી તેઓને ઐતિહાસિક- સાંસ્કૃતિક- ભૌગોલીક વિષયોમાં રસ અને રૂચી જળવાય અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા ઉમદા હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન તા.૧૭ થી ૨૧ ચાર રાત્રી અને પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે.
આ પ્રવાસનું પ્રસ્થાન આજે સવારે એ.વી.સ્કુલ પ્રા.શાળા, કેસન્ટ સર્કલ પરથી ચેરમેન, ડે.ચેરપર્સન, શાસનાધિકારી અને સદસ્યો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રવાસ અંતર્ગત મુખ્ય સ્થળોમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, જૂનાગઢ, સાસણગીર વિગેરે સ્થળો આવરી લેવામાં આવશે. જેમાં દરેક બાળકોને 5-સ્ટાર હોટલમાં ઉતારો, સાસણગીરમાં રિસોર્ટમાં ઉતારો તેમજ દરરોજ સવારમાં ચા-કોફી-નાસ્તો, બપોરે મિષ્ટાન સાથેનું ભોજન અને રાત્રીનું ભોજન તેમજ દરરોજ રાત્રે બાળકો દ્વારા જુદી-જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ થકી વિદ્યાર્થીઓમાં આપણો ગૌરવશાળી વારસાનો ઈતિહાસને જાણવાનો તેઓને લાભ મળશે.