ગુજરાતી અને ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલે અમેરિકાની સંઘીય તપાસ એજન્સી (FBI)ના
ડિરેક્ટર પદના શપથ લીધા છે. આ દરમિયાન તેમને ગીતા પર હાથ મુકીને જવાબદારી સંભાળી હતી.
કાશ પટેલ FBIનું નેતૃત્ત્વ કરનારા નવમાં વ્યક્તિ બન્યા છે. શપથ ગ્રહણ સમારંભ વોશિંગ્ટન ડીસી
સ્થિત વ્હાઇટ હાઉસ પરિસરના આઇજનહાવર એક્ઝીક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં આયોજિત કરવામાં
આવ્યો હતો. અમેરિકન એટોર્ની જનરલ પૈમ બોન્ડીએ કાશ પટેલને શપથ લેવડાવ્યા હતા.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિયુક્તિની પ્રશંસા કરી હતી અને FBIના એજન્ટો વચ્ચે
તેમની લોકપ્રિયતાને તેનું કારણ જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે હું કાશ પટેલને એટલા માટે પસંદ કરૂ છું અને
આ પદ પર નિયુક્ત કરવા માંગતો હતો કારણ કે એજન્સીના એજન્ટ તેમનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે
તે આ પદ પર અત્યાર સુધીના સૌથી સારા વ્યક્તિ સાબિત થશે, તેમની નિયુક્તિ ઘણી આસાન રહી. તે
મજબૂત અને દૃઢ વિચારો ધરાવતા વ્યક્તિ છે. ટ્રે ગૌડીએ પણ તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું કે લોકો
કાશ પટેલની ક્ષમતાને સમજી નથી શકતા.
કાશ પટેલની નિયુક્તિને અમેરિકન સીનેટમાં 51-49 મતના અંતરથી મંજૂરી મળી હતી. જોકે, બે
રિપબ્લિકન સીનેટર- સુસાન કોલિન્સ (મેન) અને લિસા મુર્કોસ્કી (અલાસ્કા)એ ડેમોક્રેટ્સ સાથે મળીને
તેમના વિરૂદ્ધ મતદાન કર્યું હતું. FBI ડિરેક્ટરનો કાર્યકાળ ખાસ કરીને 10 વર્ષનો હોય છે જેથી રાજકીય
હસ્તક્ષેપથી બચી શકાય પરંતુ કાશ પટેલના ટ્રમ્પ સાથે સારા સંબંધને જોતા તેના પર સવાલ ઉભા થઇ
રહ્યા છે. સીનેટર એડમ શિફે કહ્યું કે FBIએ ડોનાલ્ડ ટ્રમ્પની ખાનગી સેના ના બનવું જોઇએ.
કાશ પટેલનું પુરૂ નામ કશ્યપ પ્રમોદ પટેલ છે. કાશ પટેલનો પરિવાર મૂળ વડોદરાનો છે. કાશ પટેલના
માતા-પિતા યુગાન્ડામાં રહેતા હતા. કાશ પટેલના માતા-પિતા 1970ના દાયકામાં અમેરિકા જતા રહ્યાં
હતા. કાશ પટેલનો જન્મ ગાર્ડન સિટી ન્યૂયોર્કમાં થયો હતો. કાશ પટેલે કાયદાનો અભ્યાસ કર્યો છે,
તેમને અમેરિકાના રિચમંડ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ 2017માં ઇન્ટેલિજન્સ પર હાઉસ
પાર્લિયામેન્ટરી સિલેક્ટ કમિટીના સભ્ય બન્યા.કાશ પટેલ રિપબ્લિકન પાર્ટી અને ટ્રમ્પના ઘણા નજીકના
ગણાય છે.