વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના રોજ સુરતમાં ભવ્ય કાર્યક્રમ માટે આવી રહ્યા છે, જેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમિયાન PM મોદીનો 3.5 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે, જેમાં હજારો લોકો પીએમનું ભવ્ય સ્વાગત કરશે. વડાપ્રધાનની સુરત યાત્રા માટે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી.
PM મોદીના આગમન સમયે સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાશે, જ્યાં 75,000 લાભાર્થીઓને NFSA અંતર્ગત સામેલ કરાશે. આ લાભાર્થીઓમાં વૃદ્ધ સહાય પેન્શન, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થશે. કાર્યક્રમના સ્થળ પર જર્મન ડોમ તૈયાર કરાયો છે, જે સુરતના ઇતિહાસમાં એક ભવ્ય આયોજનોમાંનું એક બની શકે છે. PM મોદી લિંબાયત વિસ્તારમાં હેલીપેડ પરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. આગમન સમયે બંને તરફ હજારોની સંખ્યામાં લોકો મોડીજીના દર્શન માટે ઉમટી પડશે. રોડ શો માટે અલગ-અલગ પોઇન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જ્યાં PM મોદીનું ભવ્ય સ્વાગત થવાનું છે. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય.






