ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ફરજ બજાવનારા પોલીસકર્મીઓને યુપી સરકારે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહાકુંભ 2025 ના સફળ આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો અને તેને ખરેખર વૈશ્વિક કાર્યક્રમ ગણાવ્યો. પોલીસ સન્માન કાર્યક્રમમાં બોલતા, સીએમ યોગીએ મહાકુંભમાં તૈનાત પોલીસ કર્મચારીઓની પ્રશંસા કરી અને ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ માટે એક અઠવાડિયાની રજા જાહેર કરી, પરંતુ આ રજા અલગ અલગ તબક્કામાં આપવામાં આવશે. તેમણે કહ્યું કે ફરજ પર તૈનાત 75 હજાર પોલીસ કર્મચારીઓને મહાકુંભ મેડલ અને પ્રસંશાપત્ર આપવામાં આવશે. પોલીસ અધિકારીઓને 10,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, “હું પોલીસ અધિકારીઓને અભિનંદન આપું છું. પડકાર ખૂબ મોટો હતો, પરંતુ આપણે મહાકુંભ આયોજનને સર્વોચ્ચ શિખર પર લઈ ગયા છીએ. આ કાર્યક્રમમાં સમસ્યા અને ઉકેલના બે રસ્તા હતા, આપણે સમસ્યા વિશે વિચાર્યું નહીં પણ ઉકેલ વિશે વિચાર્યું. 7 હજાર કરોડ ખર્ચ કરો, 3.5 કરોડ કમાઓ કુંભે આ કર્યું છે. હું 2700થી 3000 કેમેરા જોતો હતો. દરરોજ 2 થી 2.5 કરોડ ભક્તો આવે છે અને 66 કરોડ લોકો આવ્યા છે.”
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પોલીસ કર્મચારીઓની ભરતી પેન્ડિંગ હતી, કોર્ટમાં સ્ટે હતો. તે પછી, પારદર્શક વ્યવસ્થા હેઠળ કોર્ટમાં સોગંદનામું આપીને તેને આગળ ધપાવ્યું. ત્યારબાદ 1 લાખ 56 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. અમે 30 હજાર વધુ ભરતી કરવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ કોઈ મંડપમાં આગ લાગી, ત્યારે તેને 10 મિનિટમાં કાબુમાં લઈ લેવામાં આવતી. મૌની અમાવસ્યા પર અકસ્માત થયો, બધા ઘાયલો માટે બનાવેલો ગ્રીન કોરિડોર પ્રશંસનીય હતો. અખાડા સહિત દરેક વ્યક્તિ જાણે છે કે ભીડનું સંચાલન કેવી રીતે થાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ખૂણામાં બેસીને ટિપ્પણી કરવી એ અલગ વાત છે, જે લોકો તેમાં સામેલ છે તેઓ જ આ વિશે કહી શકે છે. ભક્તોએ પોલીસના વર્તનની ચર્ચા કરી. પોલીસકર્મીઓએ દેખાડો ન કર્યો. જ્યારે ભક્તો તેને ધક્કો મારતા અને શાંતિથી વાત કરતા, ત્યારે એ એક બોધપાઠ છે કે પોલીસ પણ મિત્ર હોઈ શકે છે. હું જે અધિકારી સાથે વાત કરતો હતો તે કહેતા હતા કે ત્યાં ખૂબ ભીડ હતી અને હું કેમેરા તરફ જોતા વાત કરતો હતો. 28, 29 અને 30 તારીખે 15 કરોડ લોકો આવ્યા. ક્ષમતા 25 લાખ હતી. જો એક ઘરમાં 5 લોકો રહે છે, ત્યાં 10 કે 100 લોકો આવે છે તો પરિસ્થિતિ શું છે? જ્યારે મેં સંગમમાં ડૂબકી લગાવી, ત્યારે મેં પોલીસનો આભાર માન્યો અને કહ્યું કે ભારતનું સન્માન વધ્યું છે.