પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત ‘બોફોર્સ કૌભાંડ’ ફરી એક વાર ચર્ચામાં આવી શકે છે. અહેવાલ મુજબ ભારતે સરકાર આ કથિત કૌભાંડની તપાસ ફરી શરુ કરાવી શકે છે. ભારતે 64 કરોડ રૂપિયાના બોફોર્સ કૌભાંડ સંબંધિત માહિતી પૂરી પાડવા માટે અમેરિકાને અરજી મોકલી છે.
કેન્દ્ર સરકારે વર્ષ 1980 અને 1990 વચ્ચે 155 મીમી ફિલ્ડ આર્ટિલરી ગનની ખરીદીમાં થયેલા કથિત કૌભાંડની તપાસ ફરી શરૂ કરવાના સંકેત આપ્યા છે. એક અગ્રેજી અખબારના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે CBIએ તાજેતરમાં જ એક સ્પેશીયલ કોર્ટે દ્વારા જાહેર કરાયેલો એક પત્ર યુએસ ન્યાય વિભાગને મોકલ્યો છે. આ પત્રમાં, એજન્સીએ અમેરિકન ખાનગી ડિટેક્ટીવ કંપની ફેરફેક્સના વડા માઈકલ હર્શમેન સંબંધિત માહિતી માંગી છે.
નોંધનીય છે કે વર્ષ 2017 માં, હર્શમેને દાવો કર્યો હતો કે જ્યાં બોફોર્સ કૌભાંડ માટેની લાંચના પૈસા કથિત રીતે જમા કરવામાં આવ્યા હતા, તે સ્વિસ બેંક એકાઉન્ટ મોન્ટ બ્લેન્ક તેમને શોધી કાઢ્યું ત્યારે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી ગુસ્સે થયા હતાં. CBIએ ઓક્ટોબર 2024 માં દિલ્હી કોર્ટનો સંપર્ક કર્યો હતો અને યુએસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની મંજુરી આપવા વિનંતી કરી હતી. હર્શમેન ભારતીય એજન્સીઓ સાથે સહયોગ કરવા સંમત થયા પછી આ પગલું લેવામાં આવ્યું હતું. લેટર રોગેટરી એક ઔપચારિક લેખિત વિનંતી હોય છે, જે એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને ફોજદારી કેસની તપાસમાં મદદ મેળવવા માટે મોકલતી હોય છે.