26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે ભારતને પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી.
તેણે દલીલ કરી હતી કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં તેને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી શકે છે. તેણે દાવો કર્યો હતો કે મારી વણસેલી તબિયતને જોતાં ભારતીય જેલોમાં મારું પ્રત્યાર્પણ મોતની સજા બની રહેશે. પોતે જાતજાતને જીવલેણ બિમારીઓથી પીડાય છે તે દર્શાવવા તેણે જુલાઇ 2024નો મેડિકલ રેર્કોર્ડ સુપરત કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેને અનેકવાર હાર્ટ એટેક આવી ગયો છે અને તે પાર્કિન્સન ડિસિઝથી પણ પીડાય છે. રાણાએ તેની અરજીમાં જણાવ્યું છે કે જો તેના પ્રત્યાર્પણ સામે સ્ટે આપવામાં નહીં આવે તો તેના કેસનો કોઇ રીવ્યુ થશે નહીં અને અમેરિકન કોર્ટ તેના કાર્યક્ષેત્રને ગુમાવશે. અરજદાર આ સંજોગોમાં ટૂંક સમયમાં મૃત્યુ પામશે.
2008માં મુંબઇ પર પાકિસ્તાનના દસ આતંકીઓ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૬૬ જણાંનો મોત થયા હતા અને ૨૩૯ જણા ઘાયલ થયા હતા અને ભારતને 1.5 અબજ અમેરિકન ડોલર્સનું નુકસાન થયું હતું. આ આતંકી હુમલામાં તાજમહાલ હોટેલ અને છાબડ હાઉસ સહિત સંખ્યાબંધ બાર્સ અનેે રેસ્ટોરાંને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.૬૦ કલાક સુધી આતંકીઓએ લોકોને બાનમાં લીધાં હતા. આ આતંકી હુમલો કરવાના કાવતરાંમાં રાણા સામેલ હોવાનો તેના પર આરોપ છે.