આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યના મોટાભાગના જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ, ગત વર્ષે સૂકા પવનોની અસરથી 26 માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરંતુ, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઊંચકાયું છે. એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ છે. સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધી 40.4 નોંધાયું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ નહિવત છે. પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે. હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગ ઉપર એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યું છે તેને કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારના વાતાવરણના ઉપરીસ્તરમાં છુટા છવાયા વાદળો દેખાઈ શકે છે. તેને કારણે બફારા જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. પરંતુ આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ નહિવત છે. ત્યારબાદ બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો આવશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.