મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને હાઇજેક કરી હતી. લગભગ 24 કલાક પછી, સેનાના ઓપરેશનમાં 16 બળવાખોરો માર્યા ગયા છે. ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ 500 લોકો હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. BLAએ આમાંથી 214 મુસાફરોને બંધક બનાવ્યા, જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા.
ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 104 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. BLA એ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે વર્ણવ્યા છે, અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માગ કરી છે. આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોના ઓપરેશનને કારણે આતંકીઓ નાના-નાના જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધારાના સુરક્ષા કર્મચારીઓ આ વિસ્તારમાં ઓપરેશનમાં ભાગ લઈ રહ્યા છે. બલૂચિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે બપોરના સુમારે દૂરના વિસ્તારમાં ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કેટલાક મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા.