બેંક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતરશે. યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સએ 24 અને 25 માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથેની વાતચીત અનિર્ણિત રહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં 5-દિવસનું કાર્ય સપ્તાહ, તમામ પોસ્ટ પર ભરતી અને પબ્લિક સેક્ટરની બેંકોમાં કર્મચારીઓ અને ઓફિસર ડાયરેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાણા મંત્રાલયના તાજેતરના નિર્દેશને પાછો ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે. જેના કારણે કર્મચારીઓની નોકરી પર ખતરો મંડરાઈ રહ્યો છે.
UFBU એ 9 બેંક કર્મચારી યુનિયનોનું જૂથ છે. તેમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) જેવા મુખ્ય યુનિયનો સામેલ છે. આ તમામ યુનિયનો મળીને 24 અને 25 માર્ચે બે દિવસની હડતાળ પર ઉતરવાના છે.