ગુજરાતનાપંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ આજ -17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઠેર ઠેર વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે વિવિધ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર વિગેરે હડતાલમાં જોડાશે તેમ મહાસંઘ દ્વારા જણાવાયું હતું.
7 માર્ચથી આરોગ્ય કર્મીઓ દ્વારા આંશિક રીતે કામગીરીનો બહિષ્કાર પણ કરાયો છે. મહાસંઘ દ્વારા જણાવાયું છે કે ફિક્સ અને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયા છે તેવા કર્મચારીઓ માટે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યપ્રધાનથી લઇને સંબંધિત પ્રધાનોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી.