પાકિસ્તાનમાં વિદ્રોહીઓના એક પછી એક હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનમાં 57 હુમલા થયા છે. આમાં બલૂચિસ્તાનમાં ટ્રેન અપહરણનો ડેટા સામેલ નથી. મોટાભાગના હુમલા TTP અને BLA દ્વારા કરવામાં આવ્યા છે. સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટ દ્વારા વિદ્રોહીઓએ પાકિસ્તાનને ભયના માહોલમાં મુકી દીધું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ હુમલાઓમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. જોકે, BLAના દાવા મુજબ આ આંકડો 100થી વધુ છે.
પાકિસ્તાનના ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર રવિવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સાત જવાનો શહીદ થયા છે જ્યારે 21 ઘાયલ થયા છે.બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલો ક્વેટાથી 150 કિલોમીટર દૂર નોશ્કીમાં થયો હતો. આ હુમલા બાદ સેનાએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
આ પહેલા BLAએ 14 માર્ચે એક ટ્રેન હાઈજેક કરી હતી. આ હાઈજેક પછી લાંબા સમય સુધી સુધી પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ હુમલાને લઈને પાકિસ્તાન અને બલૂચ બળવાખોરો પોતપોતાના દાવા કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં 31 લોકોના મોત થયા હતા, જેમાં 18 સૈનિકો સામેલ હતા. પાકિસ્તાનમાં એક પછી એક થઈ રહેલા આતંકવાદી હુમલાઓને કારણે તેને આર્થિક સ્તરે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.






