મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ કરી દીધો છે. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા અને હિંસા ભડકાવી હતી. અથડામણ દરમિયાન તોફાનીઓએ મહિલા પોલીસ અધિકારીનાં કપડાં ઉતારવાનો અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો.
ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ માહિતી સામે આવી છે. રાતે અંધારાનો લાભ લઈને, ભાલદારપુરા ચોક પાસે તોફાનીઓએ મહિલા અધિકારી સાથે અભદ્ર કૃત્ય કર્યું હતું. 17 માર્ચે થયેલી હિંસક અથડામણ બાદ નાગપુરના 10 પોલીસ જિલ્લા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ કર્ફ્યુ લાગુ રહ્યો હતો અને 50 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 19 આરોપીઓને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઔરંગઝેબની કબર તોડી પાડવાની વધતી માગ વચ્ચે શિવસેના (UBT)એ બુધવારે ભાજપ પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે શાસક પક્ષ મુઘલ સમ્રાટને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રએ છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબરનો સંરક્ષિત સ્મારક દરજ્જો દૂર કરવો જોઈએ જેથી રમખાણો અટકાવી શકાય અને રાજ્યમાં કટ્ટરપંથીઓનો ગુસ્સો શાંત થાય.
ઔરંગઝેબની કબર નો ડ્રોન ઝોન જાહેર
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્તાબાદ ખાતે ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીઓ વચ્ચે વહીવટીતંત્રે મુઘલ શાસકની કબરને ડ્રોન-મુક્ત ઝોન તરીકે જાહેર કરી છે. પોલીસ આ મામલે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ્સ પર નજર રાખી રહી છે અને તેને ડિલીટ કરાવી રહી છે. અત્યાર સુધીમાં આવી 500થી વધુ ઓનલાઈન પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે.