ભારતમાં વધતી વિમાની પ્રવાસીઓની સંખ્યા વચ્ચે છેલ્લી ઘડીએ ફલાઈટ રદ થવા કે કલાકો મોડી થવા જેવી ઘટનાઓથી મુસાફરોની મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે હવે ઉડ્ડયન વિભાગ પ્રવાસીઓની વ્હારે આવ્યુ છે. ડીરેકટરોરેટ જનરલ ઓફ સિવીલ એવિએશને તમામ એરલાઈન્સને પ્રવાસીઓને ટીકીટની સાથોસાથ તેઓના અધિકારો દર્શાવતી માહીતી આપવા સુચના આપી છે.
દેશમાં વધતા વિમાન પ્રવાસમાં પ્રથમ વખત મુસાફરી કરતાં મુસાફરોની સંખ્યા પણ ઘણી મોટી છે.ત્યારે પ્રવાસમાં ક્ષતિ, ફલાઈટમાં કલાકોનાં વિલંબ કે રદ થવા કે છેલ્લી ઘડીએ બોર્ડીંગ રદ કરવા કે માલસામાનની હેરફેરનાં પ્રશ્નો સર્જાવાના સંજોગોમાં પ્રવાસીઓનાં અધિકારોની માહીતી તેમને મળવી જોઈએ.ડીરેકટરોરેટ જનરલ ઓફ સિવીલ એવીએશનનાં વડા ફૈઝ અહેમદ કિડવાઈએ આ મામલે તમામ એરલાઈન્સને સુચવ્યુ છે. અને ટીકીટ સાથે જ પ્રવાસીઓને તેમનાં અધિકારની માહીતી આપવા જણાવ્યું છે.
પ્રવાસી દ્વારા ટીકીટ બુક કરવામાં આવે તે સાથે જ એરલાઈન્સે એસએમએસ અથવો વોટસએપ મારફત તેમનાં અધિકારો તથા નિયમો મુસાફરને જણાવવા પડશે. ટીકીટ તથા વેબસાઈટ પર પણ જણાવવા પડશે. મુસાફરોને જેમ જવાબદારી દર્શાવાય છે.તેવી જ રીતે તેમને અધિકારોથી પણ વાકેફ કરવા જોઈએ,. ડીજીસીએની આ સુચનાને પગલે એરલાઈન્સે દ્વારા સીસ્ટમ અપડેટ કરવાનું શરૂ કરી દેવાયું છે. એરલાઈન્સ કંપની ઈન્ડીગોએ આ સુચનાનો અમલ મંગળવાર સુધીમાં કરી દેવાની બાહેંધરી આપી છે.





