ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ અનેક વિવાદીત નિર્ણયો લેતા અનેક દેશો ગુસ્સે ભરાયા છે. તેમણે પ્રમુખ બનતા જ ભારત, ચીન, કેનેડા સહિત અનેક દેશો સાથે ટેરિફ વૉર છંછેડી છે. આ ઉપરાંત તેમણે કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવા દબાણ કર્યા બાદ હવે આવું દબાણ ગ્રીનલેન્ડ પર કરી રહ્યા છે, જેના કારણે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડ નારાજ થયા છે.
ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે કુદકા મારી રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સની પત્ની ઉષા વેન્સ અને એક અમેરિકન પ્રતિનિધિમંડળને આ સપ્તાહે ગ્રીનલેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે, જેનો ગ્રીનલેન્ડના વડાપ્રધાને વિરોધ કરી કહ્યું કે, ‘ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ જ આક્રમક વલણ સમાન છે.’ પીએમ એગેડે અમેરિકા પર ગ્રીનલેન્ડના રાજકીય મામલામાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કર્યો છે.
વ્હાઈટ હાઉસે રવિવારે જાહેર કરી છે કે, ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, પત્ની ઉષા વેન્સ અને પુત્ર એક અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે આ સપ્તાહે ગ્રીનલેન્ડની મુલાકાત કરશે.’ અમેરિકાના આ નિર્ણય પર પીએમ એગેડે કહ્યું કે, ‘પ્રતિનિધિમંડળમાં અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ટ્ઝ પણ સામેલ થશે.’ અમેરિકન પ્રતિનિધિમંડળની મુલાકાત પર પીએમ એગેડે કહ્યું કે, ‘વિદેશી હસ્તક્ષેપ વગર અમારી અખંડતા અને લોકશાહીનું સન્માન થવું જોઈએ. અમેરિકન પ્રતિનિધિ મંડળની આ મુલાકાત માત્ર એક ખાનગી પ્રવાસ તરીકે જોઈ ન શકાય.’
વેન્સ દંપતી અને અમેરિકન પ્રતિનિધિમંડળ ગુરુવારથી શનિવાર દરમિયાન ગ્રીનલેન્ડના પ્રવાસે હશે. આ પહેલા ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ જૂનિયરે જાન્યુઆરીની શરૂઆતમાં ગ્રીનલેન્ડની મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની વાતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ ખૂબ જરૂરી છે. તેમણે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે બળપ્રયોગ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગ્રીનલેન્ડ આર્ક્ટિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર વચ્ચે આવેલો ટાપુ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે.