ઉત્તર પ્રદેશના બાંદામાં, ત્રણ આરોપીઓ દ્વારા ત્રણ છોકરીઓ પર 6 મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યુ. તેઓએ છોકરીઓને નોકરીની લાલચ આપીને ફસાવી હતી અને તેમના વાંધાજનક વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. જ્યારે છોકરીઓએ તેનો વિરોધ કર્યો ત્યારે તેઓએ વીડિયો વાયરલ કરીને તેમને બદનામ કરવાની ધમકી આપી.પરંતુ હવે ત્રણેય યુવતીઓ હિંમત ભેગી કરીને પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. બાંદા એસપી અંકુર અગ્રવાલે ખાતરી આપી છે કે ત્રણેય પીડિત છોકરીઓની તબીબી તપાસ કરાવ્યા બાદ અને અશ્લીલ વીડિયોની તપાસ કર્યા પછી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો બાંદા નગર કોતવાલી વિસ્તારનો છે, જ્યાં ત્રણ મોટા ઉદ્યોગપતિઓ આશિષ અગ્રવાલ, સ્વતંત્ર સાહુ અને લોકેન્દ્ર સિંહ ચંદેલ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિત છોકરીઓના જણાવ્યા મુજબ, ત્રણેય નોકરી શોધી રહી હતી. 6 મહિના પહેલા, તેમના પરિચિત નવીન કુમારે તેમને આશિષ અગ્રવાલ, સ્વતંત્ર સાહુ અને લોકેન્દ્ર સિંહ સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે આ ત્રણેય મોટા ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટર છે. આ ત્રણેય તમને નોકરી અપાવશે. આ પછી, આ ત્રણેય છોકરીઓ તેમના સંપર્કમાં રહી અને એક દિવસ આ આરોપીઓએ તેમની સાથે છેડતી કરતી વખતે એક અશ્લીલ વીડિયો બનાવી લીધો.
આ પછી તેઓ ત્રણેયને ફોન કરતા રહ્યા અને આ જ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની અને તેમના પરિવારના સભ્યોને મોકલીને બદનામ કરવાની ધમકી આપતા રહ્યા. આરોપીઓએ યુવતીઓને બળજબરીથી દારૂ પીવડાવ્યો અને તેમને નગ્ન કરીને ડાન્સ કરાવ્યો અને આ દરમિયાન વીડિયો પણ રેકોર્ડ કર્યો. આ પછી તેઓ યુવતીઓને બ્લેકમેલ કરતા રહયા અને 6 મહિના સુધી દુષ્કર્મ આચરતા રહ્યા. પીડિત છોકરીઓના મતે, જ્યારે તેમની સાથે આવું રોજ થવા લાગ્યું, ત્યારે તેમને પોલીસની મદદ લેવાની ફરજ પડી. પોલીસે ત્રણેય પીડિત છોકરીઓની ફરિયાદ સાંભળી અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો. આ કેસમાં એસપી અંકુર અગ્રવાલ કહે છે કે પીડિત છોકરીઓના આરોપોના આધારે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ સીઓ સિટીને સોંપવામાં આવી છે. પીડિત છોકરીઓ પાસે ગમે તે વીડિયો હોય. તેને પેન ડ્રાઇવમાં રાખી પુરાવાનો આધાર બનાવવામાં આવશે.