ખેડા જીલ્લાના નડિયાદના ડાકોર રોડ પર શ્રી કલ્યાણી નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ક્ષેમકલ્યાણી નામથી ચાલતી ભેળસેળ કરતી બનાવટી ઘી ફેક્ટરી ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકોમાં કાયદાનો ડર બેસાડવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બામતીના આધારે દરોડો પાડી 3109 કિલોનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો.
શ્રી કલ્યાણી ફેકટરીમાં ભેળસેળ યુકત ઘી બનાવવામાં આવતું હતું, નડિયાદ ફુડ એન્ડ ડ્રગ વિભાગે ફેક્ટરી ઉપર સર્ચ ઓપરેશન કરી 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતો પદાર્થ સીઝ કર્યો હતો. આ શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે ગાંધીનગરખાતે મોકલવામાં આવ્યા છે. 8 લાખ 50 હજારનું શંકાસ્પદ ઘી અને મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે. 2023 સપ્ટેમ્બરમાં શંકાસ્પદ ઘી આજ સ્થળ પરથી પકડાયું હતું, ત્યારે ફરીથી આ ફેક્ટરી કેવી રીતે શરૂ થઈ ગઈ તે મોટો સવાલ ઊભો થયો છે. દિલીપ રાહુલજી નામનો ઇસમ આ ફેક્ટરી ચલાવે છે.
નકલી ઘી, નકલી ટોલનાકું, નકલી કચેરી, નકલી પોલીસ જેવું કેટલુંય નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી તેલ નીકળતા ફૂડ વિભાગ સફાળું જાગ્યું હતું. પાટણ જીલ્લાના સિદ્ધપુર GIDCમાં આવેલ 133 થી 135 નંબરના ગોડાઉનમાં મોટી રેડ પાડવામાં આવી હતી. એસઓજી વિભાગ અને ફૂડ વિભાગને નકલી તેલ બની રહ્યું હોવાની બાતમી મળતાં જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા. ટીમને રેડ દરમિયાન શંકાસ્પદ તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ભેળસેળવાળું તેલ ભરત રમેશભાઈ મોદી વેચી રહ્યો હતો.
SOG અને ફૂડ વિભાગ(Food Department)ની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી હતી. અલગ-અલગ બ્રાન્ડનું 10,500 લીટર શંકાસ્પદ તેલ મળી આવ્યું હતું. ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલ બનાવવાની સાધન સામગ્રી ઝડપાઈ હતી. કુલ રૂપિયા 20,31,650નો શંકાસ્પદ તેલનો જથ્થો એસઓજી અને ખાદ્ય વિભાગે સિઝ કર્યો હતો. તેલમાં ભેળસેળ માટેનું રો-મટીરિયલ પણ વિપુલ માત્રામાં મળી આવતા ટીમ ચોંકી ઉઠી હતી.