13 માર્ચ, 2025 હોળીની રાત્રે વડોદરામાં નશો કરી પૂરપાટ ઝડપે કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. ઘટના બની ત્યારે કારચાલક રક્ષિત ચૌરસિયા સાથે આગળની સીટ પર બેઠેલો તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ તેનો કોઈ વાંક નથી કહી ભાગી ગયો હતો. અકસ્માત કર્યા પછી પણ રક્ષિતે ‘અનધર રાઉન્ડ’ એવી બૂમો પાડી હતી. પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.
આ ઘટનામાં વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા. આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંશુના મોબાઈલની MY VW એપ્લિકેશન સાથે કનેક્ટ હતું. જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કારની સ્પીડ 130થી વધારે હોવાનું જાણવા મળ્યું છે.
વોક્સ વેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા એડ વિસ્તારમાં આવેલા વોક્સ વેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું. કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા હતા. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો. જર્મની ખાતે આ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વડોદરા પોલીસને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.