આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જો કે, ગરમીએ તેનો અસલી રંગ માર્ચમાં જ બતાવી દીધો હતો. હાલ રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આજની વાત કરીએ તો, આજે હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની જ્યારે મધ્ય ગુજરાતના ચાર, સૌરાષ્ટ્રના ત્રણ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 31 માર્ચે રાજ્યમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
આજે 1 એપ્રિલના રોજ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવ માટે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વિસ્તારમાં જ કેસર કેરીનું મબલખ ઉત્પાદન થતું હોય અને હાલ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ જો કમોસમી વરસાદ થાય તો કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.