લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ પાસ થયું છે. જોકે, કોંગ્રેસે આ બિલનો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે તે જલદી આ બિલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે અને વકફ (સંશોધન) બિલ, 2024ની બંધારણીયતાને કોર્ટમાં પડકારશે.
જયરામ રમેશે કહ્યું, “અમને પૂર્ણ વિશ્વાસ છે અને અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પ્રથાઓ પર મોદી સરકારના તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.’ રાજ્યસભામાં વકફ બિલ પરની ચર્ચામાં વિપક્ષી પક્ષોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો અને બિલને “મુસ્લિમ વિરોધી” ગણાવ્યું હતું.
પીએમ મોદીએ X પર લખ્યું હતું કે, ‘સંસદ દ્વારા વક્ફ સંશોધન બિલ અને મુસ્લિમ વક્ફ બિલ પાસ થવું એ સામાજિક અને આર્થિક ન્યાય, પારદર્શિતા અને બધા માટે વિકાસની દિશામાં એક મોટું પગલું છે. આનાથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અત્યાર સુધીમાં જેમનું કોઈએ સાંભળ્યું નથી કે તેમને તક નથી મળી.’